Close

જોવાલાયક સ્થળો

ગળતેશ્વર મહાદેવ

ગળતેશ્વર મહાદેવ મંદિર

ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાંના ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્‍વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્‍થાને આ ધાર્મિક સ્‍થળ આવેલું છે. સુપ્રસિધ્‍ધ ડાકોરના ઠાકોરજીના ધામથી ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે દહાડે ૨૫ લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે. અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્‍નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.

રણછોડરાય મંદીર

રણછોડરાય ડાકોર મંદિર

પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર, એટલે આજનું ડાકોર. ડંકનાથ મહાદેવ, પાદુકાજી, ગંગાબાઈની તુલા, શ્રી લક્ષ્મીરજીનું મંદિર, શારદામઠ, રાધાકુંડ, મંગલ સેવાધામ, ગોમતીધાટ અને નૌકાવિહાર જેવા પર્યટક સ્થનળો ડાકોરમાં આવેલા છે. નડિયાદથી આશરે ૩૫ કિ.મિ. દુર આવેલુ મધ્ય ગુજરાતનુ પ્રખ્યાત રણછોડરાયનું મંદિર આવેલું છે. દર પુનમે વધુને વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે.

સંતરામ મંદિર

સંતરામ મંદિર નડીઆદ

મૂળ સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના મહાન સંત હતા. ગિરનારથી નડિયાદ આવ્યા જેથી તેઓ ગિરનાર બાવા, વિધાય બાવા અથવા સુખ-સાગજી તરીકે ઓળખાતા. તેઓ અહીં સંવત ૧૮૭૨માં આવ્યા હતા, ૧૫ વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉપાય માટે જીવ્યા હતા અને સંવત ૧૮૮૭ના મહિનાના પૂરા ચંદ્ર દિવસ પર જિવત-સમાધિ લીધી હતી.

કુંડ વાવ

કુંડવાવ, કપડવંજ

સિદ્ધરાજ જયસિંહ જયારે ખેડા જિલ્‍લામાં આવ્‍યો ત્‍યારે કપડવંજમાં લશ્‍કરને સહીસલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ. રમ્‍ય વનરાજીથી ભરપૂર આ પ્રદેશ હતો. એમ કહેવાય છે કે, સિદ્ધરાજના સોમદત પંડિતને રકતપત્‍તિનો રોગ હતો. જયાં કુંડવાવ છે ત્‍યાં અગાઉ એક પાણીનું ખાબોચિયું હતું. તેમાં તે લપસી પડયા અને તેનો રોગ મટી ગયો. તેથી આ ચમત્‍કાર જોઈ, ધર્મિષ્ઠ રાજાએ સહસ્‍ત્રલિંગની અનુકૃતિને કુંડવાવ તથા બાજુમાં બત્રીસ કોઠાની વાવ બંધાવી. ખોદકામ કરતાં નારાયણદેવ, મહાલ1મી તથા ફૂલબાઈની મૂર્તિઓ નીકળી, જે આજે પણ કપડવંજમાં જોવા મળે છે.

ગરમ પાણીના કુંડ

ગરમ પાણીના કુંડ, કઠલાલ

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના લસુન્દ્ધા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટિ પ્રકારના છે.ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્યલ મંદિર છે. બાજુમાં તળાવ છે.મહાદેવની વિખરાયેલી જટામાંથી ગંગા વહેતી હોય તેવું નિર્મળ જળ વહે છે ત્યાં પ્રકૃતિના સુંદર દર્શન થાય છે.મંદિરના અગ્ર ભાગમાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.કુંડના પાણીમાં ગંધકની વાસ આવતી નથી. તે એક ચમત્કાર છે.

ગોપાલદાસ હવેલી

ગોપાલદાસની હવેલી, વસો

નડિયાદથી ૧૬ કિ.મી. વસો નામનું પાટીદારોનું ગામ છે. આ ગામ દરબાર ગોપાલદાસ તથા મહેન્‍દ્રભાઇની હવેલીના નામથી જાણીતું છે. આ હવેલી ૨૫૦ વર્ષ જુની છે. અાજે ગુજરાતમાં પ્રાચિન સંસ્‍કૃતિ અને ખરા અર્થમાં હવેલીના દર્શન કરાવતા મકાનો ભાગ્‍યેજ બચ્‍યા છે. લાકડામાંથી બનાવવામાં આવેલી આ અદ્દભૂત હવેલીના દરેક ખુણામાંથી કલા ટપકે છે. ચારમાળ એસી રૂમોવાળી હવેલીના માલિક મહેન્‍દ્રભાઇ દેસાઇ પૂર્વ ધારાસભ્‍ય હતા. ચારમાળની હવેલીના દરેક રૂમની છત પણ સીસમના લાકડાની બનાવેલી છે. છત ઉપર નજર કરીએ તો કોતરણીકામ વચ્‍ચે હાથી દાંતમાંથી બનાવેલા નાના-નાના ફર્મા આકાશમાંથી તારા ચમકતા હોય તેવા દેખાય છે. આ હવેલી દોઢ વીઘામાં પથરાયેલ છે. લાકડાના પીલર તથા નકશીકામને બે સદીથી વધુ સમય થયો હોવા છતાં એવાને એવા છે.

મધ્‍યયુગની સંસ્‍કૃતિની ઝાંખી કરાવતી કાષ્‍ઠની કોતરણીવાળી હવેલી આજે પણ પર્યટકો માટે અદ્દભૂત આકર્ષક રૂપ બની રહી છે. કેટલાક વર્ષો જુની કુદરતી રંગોનો ઉપયોગ કરી બનાવેલી ફેસ્‍કો પેઇન્‍ટીંગની અત્‍યંત મૂલ્‍યવાન અસ્‍મિતા અહીં જળવાઇ છે.

પ્રાકૃતિક સૌદર્યનું સ્‍વર્ગ

પ્રાકૃતિક સૌદર્યનું સ્‍વર્ગ, પરીએજ

પરીએજમાં મોટું તળાવ, નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલાં છે. ખંભાતના અખાતની નજીકમાં, પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યાામાં પક્ષીઓ જોવા મળે છે.સામાન્ય , પાયવર અને આયાવર ત્રણેય પ્રકારના પંખીઓ તળાવની આજુબાજુના વિસ્તારમાં નજરે પડે છે.આ વિસ્તારનું જાણીતું પક્ષી સારસ છે. ભારતમાં માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સારસ જોવાં મળે છે. પરીએજના મુખ્ય તળાવનો ધેરાવો આશરે ૧૨ ચો.કિ.મી. છે. તેની સામાન્ય‍ ઊંડાઈ ૮.પ ફૂટ અને મહત્તમ ઊંડાઈ ૧0.પ ફુટ તળાવ ભરવા માટે મહીકેનાલ તથા નર્મદા કેનાલનું પાણી મુખ્યે સ્ત્રોત છે. પરીએજ તળાવમાં વિવિધ પક્ષીઓ બારેમાસ જોવા મળે છે અને ખાસ કરીને સારસ બેલડી વિશેષ જોવા મળે છે. આ તળાવમાં દેશ-વિદેશના પક્ષીઓ આવતા હોવાથી સહેલાણીઓ-પક્ષી પ્રેમીઓ અવાર-નવાર મુલાકાત લેતા હોય છે. જેથી રાજય સરકાર દ્ધારા આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ નારાયણ મંદીર

તીર્થરાજશ્રી સ્‍વામીનારાયણ મંદિર, વડતાલ

સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્‍વામીએ સ્‍વહસ્‍તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્‍સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું, તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યુ. આ મંદિરના પાયામાં અને પગથારમાં નવલાખ ઈટો વપરાઈ છે. સહજાનંદ સ્‍વામી પોતે ૩૭ ઈંટો સ્‍વમસ્‍તક પર ઉપાડી લાવેલાપ તેમાંથી 3પ ઈંટો લક્ષમીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી) માં ચણી છે.