ગોપાલદાસની હવેલી, વસો
નડિયાદથી ૧૬ કિ.મી. વસો નામનું પાટીદારોનું ગામ છે. આ ગામ દરબાર ગોપાલદાસ તથા મહેન્દ્રભાઇની હવેલીના નામથી જાણીતું છે. આ હવેલી ૨૫૦ વર્ષ જુની છે. અાજે ગુજરાતમાં પ્રાચિન સંસ્કૃતિ અને ખરા અર્થમાં હવેલીના દર્શન કરાવતા મકાનો ભાગ્યેજ બચ્યા છે. લાકડામાંથી બનાવવામાં આવેલી આ અદ્દભૂત હવેલીના દરેક ખુણામાંથી કલા ટપકે છે. ચારમાળ એસી રૂમોવાળી હવેલીના માલિક મહેન્દ્રભાઇ દેસાઇ પૂર્વ ધારાસભ્ય હતા. ચારમાળની હવેલીના દરેક રૂમની છત પણ સીસમના લાકડાની બનાવેલી છે. છત ઉપર નજર કરીએ તો કોતરણીકામ વચ્ચે હાથી દાંતમાંથી બનાવેલા નાના-નાના ફર્મા આકાશમાંથી તારા ચમકતા હોય તેવા દેખાય છે. આ હવેલી દોઢ વીઘામાં પથરાયેલ છે. લાકડાના પીલર તથા નકશીકામને બે સદીથી વધુ સમય થયો હોવા છતાં એવાને એવા છે.
મધ્યયુગની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કાષ્ઠની કોતરણીવાળી હવેલી આજે પણ પર્યટકો માટે અદ્દભૂત આકર્ષક રૂપ બની રહી છે. કેટલાક વર્ષો જુની કુદરતી રંગોનો ઉપયોગ કરી બનાવેલી ફેસ્કો પેઇન્ટીંગની અત્યંત મૂલ્યવાન અસ્મિતા અહીં જળવાઇ છે.